વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૦

સંવત ૧૮૮૩ના આસો વદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમે શ્રીજીમહારાજ પાસે એક માધ્વી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો તેને શ્રીજીમહારાજે પૂછ્યું જે, (૧) તમારા સંપ્રદાયના ગ્રંથને વિષે વૃંદાવનને જ ભગવાનનું ધામ કહ્યું છે, અને વળી એમ કહ્યું છે જે, મહાપ્રલયમાં પણ વૃંદાવનનો નાશ થાતો નથી. અને શિવમાર્ગી હોય તે એમ કહે છે જે, મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થાતો. એ વાર્તા અમારા સમજ્યામાં આવતી નથી, શા માટે જે, મહાપ્રલયમાં તો પૃથ્વી આદિક પંચભૂતનો અતિશે પ્રલય થઈ જાય છે, ત્યારે વૃંદાવન ને કાશી તે કેમ રહેતાં હશે ? ને શાને આધારે રહેતાં હશે ? એવી જાતનો અતિશે મોટો સંશય થાય છે. એમ વાર્તા કરીને શ્રીજીમહારાજે ભાગવતનું પુસ્તક મગાવીને એકાદશ સ્કંધમાંથી તથા દ્વાદશ સ્કંધમાંથી ચાર પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો તે વાંચી સંભળાવ્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ ભાગવતનો તથા ગીતાનો મત જોતાં તો જેટલું પ્રકૃતિપુરુષથી થયું છે, તે મહાપ્રલયમાં કાંઈ રહેતું નથી અને જો મહાપ્રલયમાં વૃંદાવન અખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્યાસજીના ગ્રંથનો શ્લોક તથા વેદની શ્રુતિ તે કહી સંભળાવો, શા માટે જે વ્યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી. અને બીજા તો જે જે આચાર્ય થયા છે તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આશરીને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે, માટે આદિ આચાર્ય જે વ્યાસજી તેનાં જે વચન તે સર્વે આચાર્યનાં વચન કરતાં અતિ પ્રમાણ છે, માટે વ્યાસજીનાં વચન તથા વેદની શ્રુતિએ કરીને વૃંદાવન મહાપ્રલયમાં નાશ નથી થાતું એવું જે પ્રમાણ તે કહી સંભળાવો તો અમારો સંશય નિવૃત્ત થાય. અને જે જે આચાર્ય થયા તેણે પદ્મપુરાણના વચને કરીને પોતપોતાનો મત સ્થાપન કર્યો છે, તે તો પદ્મપુરાણમાં ક્ષેપક શ્લોક નાખી નાખીને સ્થાપન કર્યો છે, તે પોતાના મતના હોય તે માને પણ બીજા કોઈ માને નહિ, માટે શ્રીમદ્‌ ભાગવત સરખા પ્રસિદ્ધ પુરાણનું વચન કહી સંભળાવો તો અમારે પ્રતીતિ આવે. શા માટે જે વ્યાસજીએ વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેનું સાર સાર ગ્રહણ કરીને શ્રીમદ્‌ ભાગવત કર્યું છે, માટે જેવું ભાગવત પ્રમાણ એવાં બીજાં પુરાણ અતિશે પ્રમાણ નહિ અને જેવી ભગવદ્‌ગીતા પ્રમાણ તેવું સમગ્ર ભારત પ્રમાણ નહિ માટે, એવા બળવાન શાસ્ત્રનું વચન કહી સંભળાવો તો અમને હા પડે. એવી રીતનાં જે શ્રીજીમહારાજનાં વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ એમ બોલ્યો જે, હે મહારાજ ! તમે જે પ્રશ્ન કર્યો તે સત્ય છે, ને તમારા પ્રશ્નનો ઉત્તર કરવાને આ પૃથ્વી ઉપર કોઈ સમર્થ નથી, અને મારા મનને તો તમારા સ્વરૂપની દૃઢ પ્રતીતિ આવી છે જે તમે તો સર્વ આચાર્યના આચાર્ય છો ને ઈશ્વરના ઈશ્વર છો, માટે મુને તમારો સિદ્ધાંત હોય તે કૃપા કરીને કહો.

  પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ એ સર્વે શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે, જે જીવ, માયા, ઈશ્વર ને પરમેશ્વર એ સર્વે અનાદિ છે, અને માયા છે તે તો પૃથ્વીને ઠેકાણે છે, ને પૃથ્વીમાં રહ્યાં જે બીજ તેને ઠેકાણે જીવ છે, અને ઈશ્વર તો મેઘને ઠેકાણે છે તે પરમેશ્વરની ઇચ્છાએ કરીને પુરુષરૂપ જે ઈશ્વર તેનો માયા સંગાથે સંબંધ થાય છે, ત્યારે જેમ મેઘના જળના સંબંધે કરીને પૃથ્વીમાં હતાં જે બીજ તે સર્વે ઊગી આવે છે, તેમ માયામાંથી અનાદિકાળના જીવ હતા તે ઉદય થઈ આવે છે, પણ નવા જીવ નથી થાતા માટે જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા પણ અનાદિ છે ને તે માયાને વિષે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે, પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી; એ તો અનાદિ જીવ જ છે, તે જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય, ત્યારે ભગવાનની માયાને તરે ને નારદ-સનકાદિકની પેઠે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે, ને ભગવાનનો પાર્ષદ થાય છે, એવી રીતે અમારો સિદ્ધાંત છે. એવી રીતનાં જે શ્રીજીમહારાજનાં વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ પોતાના વૈષ્ણવપણાના માનનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો સમાશ્રય કરતો હવો, અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાને ગ્રહણ કરતો હવો. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૦।। (૨૪૪)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં શ્રીજીમહારાજે ધ્રાંગધ્રા નિવાસી શાસ્ત્રી ભવાનીશંકર માધ્વી સંપ્રદાયના હતા તેને પોતાનો સિદ્ધાંત સમજાવ્યો છે જે, અમારી ઇચ્છાએ કરીને પુરુષ જે ઈશ્વર તેનો માયા સંગાથે સંબંધ થાય છે, ત્યારે માયામાં અનાદિકાળના જીવ રહ્યા છે. તે ઉદય થઈ આવે છે પણ નવા થતા નથી. અને જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા તથા જીવ પણ અનાદિ છે અને તે જીવ અમારા અંશ નથી; અનાદિ જીવ જ છે, તે જ્યારે અમારે શરણે થાય ત્યારે બ્રહ્મરૂપ થઈને અમારા ધામને પામે એ અમારો સિદ્ધાંત છે. (૧) બાબત છે.

         પ્ર આમાં મૂળપુરુષને ઈશ્વર કહ્યા અને માયામાંથી પ્રધાનપુરુષાદિક ઉત્પન્ન થાય છે, તે સર્વેને જીવ કહ્યા. અને (મ. ૩૧ના ૨/૫ બીજા પ્રશ્નમાં) વૈરાજપુરુષને ઈશ્વર કહ્યા છે તે કેવી રીતે સમજવું ?

       વૈરાજપુરુષને વિષે મૂળપુરુષનો આવિર્ભાવ છે તેથી તેને ઈશ્વર કહેવાય છે, પણ વાસ્તવ્ય ઈશ્વર તો મૂળપુરુષ જ છે માટે આમાં વાસ્તવ્ય ઈશ્વરને ઈશ્વર કહ્યા છે, અને પરમેશ્વર શ્રીજીમહારાજે પોતાને કહ્યા છે. ।।૧૦।।